12 હજારથી પહોંચ્યા 450 કરોડ સુધી: આવી છે ગોપાલ નમકીનની હાઈટેક ફેક્ટરી

વર્ષ 1994માં 12 હજાર રૂપિયાના ઉધાર રો-મીટરિયલ્સ સાથે બિઝનેસ શરૂ કરનાર બિપીનભાઈ હદવાણીની ગોપાલ નમકીન આજે વર્ષે 450 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની એવા બિપીનભાઇ હદવાણી 1984માં પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા.
1 990માં રાજકોટ આવી પિતરાઇ સાથે રૂ.8500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ‘ગણેશ’ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો અને સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા. ધંધો જામી જતા પિતરાઇ ભાઇએ પાર્ટનરશિપ છૂટી કરી ધંધો સંભાળી લીધો હતો.
ભાગીદારી છૂટી જતા 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના સાથથી નાનામવા રોડ પર રાજનગર-4 ખાતે આવેલા રહેણાકમાં ઝીરો બેલેન્સ સાથે રૂ.12000નો ચણાનો લોટ(બેસન), તેલ અને મસાલાઓ ઉધાર લાવી ‘ગોપાલ’ બ્રાન્ડ શરૂ કરી.
સાઇકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા. માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો, 4 વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઇ જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.450 કરોડ પર પહોંચાડ્યું.
સમયની સાથે પરિવર્તન કરવામાં માનતા ગોપાલ નમકીનના માલિક બિપીનભાઈ હદવાણીએ બિઝનેસમાં પણ આ જ અભિગમ અપનાવ્યો છે. રાજકોટના 400sq.Yardમાંથી શરૂઆત કરનાર બિપીન હદવાણી આજે 20 હજાર Sq.Mtr. વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે.
પિતાનો સિધ્ધાંત જાળવી રાખ્યો
બિપીનભાઇ કહે છે મારા પિતા કહેતા ‘આપણે જે ખાઇએ તે ઘરાકને ખવડાવવું’ તે સિધ્ધાંતને વળગી રહેતા આજે સફળતા મળી છે. મારી ફેક્ટરીનો માલ જ મારા ઘરમાં નાસ્તામાં ઉપયોગમાં લેવાય છે. તેને કારણે 2006માં જે ટર્નઓવર વાર્ષિક હતું તે આજે રોજનું છે.