શું ગંગા સ્નાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જાણો સ્વયં શિવજી દ્વારા કહેવામાં આવેલ આ કથા

કહેવામાં આવે છે કે, ગંગા સ્નાન કરવાથી દરેક પાપનો નાશ થાય છે. ગંગામાં સ્નાન કરનાર લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પરંતુ શું આ વાત સાચી છે આ વાતનો ખુલાસો સ્વયં ભગવાન ભોલેનાથે કર્યો છે. તેઓએ માતા પાર્વતીને જણાવ્યું છે કે, કઈ રીતે લોકોને ગંગા સ્નાન બાદ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસ નો તહેવાર હતો ગંગા નદીનાં કિનારે લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવ્યા હતા. આ સમય દરમ્યાન શિવજી અને પાર્વતિ જી ત્યાંથી પસાર થયા ત્યારે ગંગાતટ પર આટલી બધી ભીડ જોઈને માતા પાર્વતીજીએ શિવજીને તેનાં વિશે પૂછ્યું ત્યારે શિવજીએ જણાવ્યું કે, આ દરેક લોકો આજે સોમવતી અમાસ નાં તહેવાર પર ગંગાસ્નાન કરવા માટે આવ્યા છે. આ સ્નાન કરવાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
આ વાત પર પાર્વતીજી નાં મનમાં સવાલ થયો કે શું ગંગાસ્નાન કરવાથી લોકોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે શું ત્યાં આટલી બધી જગ્યા હોય છે અને પાછલા ઘણા લાખો વર્ષોથી જેમણે ગંગા સ્નાન કર્યું હતું તે લોકો સ્વર્ગમાં કેમ નથી? આ સવાલો નાં જવાબ આપતા ભગવાન ભોલેનાથે કહ્યું કે, ફક્ત શરીરને ભીનું કરવાથી જ્ઞાન થતું નથી મનની મલિનતા ને ધોવી જરૂરી છે ત્યારે પાર્વતીએ પુછ્યું કે, એ કેવી રીતે ખબર પડે કે મનુષ્ય નું મન પવિત્ર થઈ ગયું છે. પાર્વતીજી નાં આ સવાલ નો જવાબ આપતા શિવજીએ કહ્યું કે, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું હું એક કદરૂપા કોઢી નું રૂપ લઉ અને તમે એક સુંદર કન્યા બની જાવ પછી આપણે બંને ગંગાજી જવાના માર્ગ પર બેસી જઈએ કોઈ તમને સવાલ પૂછે તો મારી જણાવેલી આ વાત તેને જણાવી દેજો.
શિવજી અને પાર્વતીજી ત્યાં બેસી ગયા. ત્યાંથી પસાર થતા લોકો તેને જોતા હતા અને આ જોડી ને જોઈને કોઈને વિશ્વાસ નહોતો આવતો દરેકને વિચાર આવતો કે, આ સુંદર કન્યા કદરૂપા કોઢી પાસે શું કરી રહી છે. ઘણા લોકોએ તો માતા પાર્વતીને આ પતિને છોડી દેવા અને પોતાની સાથે આવવાનું કહ્યું આ વાત પર માતા પાર્વતીજી ને ગુસ્સો આવ્યો પરંતુ શિવજીને આપેલ વચન ના કારણે માતા શાંત રહ્યા. જ્યારે પણ કોઈ પાર્વતીજીની પૂરી વાત પૂછતું ત્યારે શિવજીએ બતાવેલા આ શબ્દો જણાવતાં ‘આ મારા પતિ છે અને અને તેને ગંગા સ્નાન કરવાની ઈચ્છા છે.’ તેથી હું મારા ખભા પર લઈને તેને ગંગાસ્નાન સ્નાન કરવા લઈ જાવ છું. ગંગા સ્નાન કરવા જતા દરેક લોકો પાર્વતીજીને મદદ કરવા ને બદલે તેના પતિને છોડવાની વાત કરતા હતા. આમ ઘણા લોકોએ તેને જોઈને નજર અંદાજ પણ કર્યા.
થોડીવાર માં એક સજ્જન ત્યાંથી નીકળ્યા માતા પાર્વતી ની વાત સાંભળીને તેમને રડવું આવ્યું. તેમણે માતા પાર્વતી ને પ્રણામ કર્યા અને કહ્યું કે, તમારા જેવી સ્ત્રી ધન્ય છે જે પતિ ની આવી હાલતમાં પણ પોતાનો પતિવ્રતા ધર્મ નિભાવી રહી છે અને પતિની ઇચ્છા પૂર્ણ કરવા માટે તેને ગંગાસ્નાન કરવા લઈ જઈ રહી છે. આ સજ્જન પુરુષે માતા પાર્વતીજીને મદદ કરવાનો પ્રસ્તાવ રાખ્યો. શિવજી ને પોતાના ખભા પર બેસાડીને ગંગા સુધી લઈ ગયા એટલું જ નહીં ત્યાં જઇને પોતાનું ભોજન પણ તેમને આપ્યું. આમ માતા પાર્વતી ને સમજાઈ ગયું કે, ગંગામાં સ્નાન કરવા ઘણા લોકો આવે છે પરંતુ મન શુદ્ધ કરીને અમુક લોકો જ જાય છે. ગંગા સ્નાન નું મહત્વ ત્યારે જ છે જ્યારે તમારા મનની શુદ્ધિ થઈ જાય બસ એજ લોકોને ગંગા સ્નાન બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.